જાહેર રોડ પર ચાલતી આ લડાઈને જોવા માટે રાહદારીઓના ટોળા ઉમટ્યા હતા, પરંતુ કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કરવાને બદલે મોબાઈલમાં વીડિયો ઉતારવાનું મુનાસિબ માન્યું હતું.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં શાળાની વિદ્યાર્થિનીઓ વચ્ચે જાહેર રસ્તા પર મારામારી થઈ હોવાનો એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કૂલ યુનિફોર્મ પહેરેલી કેટલીક વિદ્યાર્થિનીઓ કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી બાદ બાખડી પડી હતી. આ વિદ્યાર્થિનીઓએ રસ્તાની વચ્ચે જ એકબીજાના વાળ ખેંચ્યા હતા અને લાતો-મુક્કા વડે મારામારી કરી હતી. જાહેર રોડ પર ચાલતી આ લડાઈને જોવા માટે રાહદારીઓના ટોળા ઉમટ્યા હતા, પરંતુ કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કરવાને બદલે મોબાઈલમાં વીડિયો ઉતારવાનું મુનાસિબ માન્યું હતું.
શિક્ષણધામમાં શિસ્તના લીરેલીરા
આ ઘટનાને પગલે શૈક્ષણિક જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્કૂલના શિસ્તબદ્ધ વાતાવરણને બદલે રસ્તા પર થતી આવી હિંસક હરકતો શિક્ષણ સંસ્થાઓની છબી ખરડી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લડાઈ કોઈ જૂની અદાવત કે સામાન્ય ઝઘડાના કારણે થઈ હોવાનું અનુમાન છે. વીડિયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત શાળાઓ આ વિદ્યાર્થિનીઓ સામે શિસ્તભંગના કેવા પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી ફેલાતા લોકો સંસ્કાર અને શિક્ષણના પતનને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.



