ભારત માટે પોતાના જ દેશના વિદેશ મંત્રી સાથે બાખડી પડ્યા ન્યૂઝીલેન્ડના PM, FTA મુદ્દે રોકડું પરખાવ્યું

admin
3 Min Read

India New Zealand FTA: ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને ભારત સાથેના મુક્ત વ્યાપાર કરાર(FTA)ને તેમની સરકારની મોટી સિદ્ધિ ગણાવી છે. લક્સને કહ્યું કે, ‘અમે પ્રથમ ટર્મમાં ભારત સાથે FTA કરવાનું વચન આપ્યું હતું અને તે પૂરું કર્યું છે.’ જોકે, આ જાહેરાતના ગણતરીના દિવસોમાં જ ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આ કરારનો સખત વિરોધ કરીને સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

પીએમ લક્સનનો દાવો: આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે

પીએમ લક્સને આ સમજૂતીને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વની ગણાવતા કહ્યું કે, ‘આ કરારથી ન્યુઝીલેન્ડ માટે 1.4 અબજ ભારતીય ગ્રાહકોનું વિશાળ બજાર ખુલી જશે. તેનાથી દેશમાં રોજગારીની નવી તકો ઊભી થશે, આવકમાં વધારો થશે અને નિકાસને પ્રોત્સાહન મળશે.

સત્તાધારી ગઠબંધનમાં વિખવાદ: વિદેશ મંત્રીએ ગણાવ્યો ‘અન્યાયી કરાર’

ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી અને ‘ન્યુઝીલેન્ડ ફર્સ્ટ’ પાર્ટીના નેતા વિન્સ્ટન પીટર્સે આ ડીલ સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો કે સરકારે ગુણવત્તાને બદલે ઝડપને પ્રાથમિકતા આપી છે. પીટર્સના મતે, આ કરાર ન તો મુક્ત છે અને ન તો ન્યાયી. તેમણે કહ્યું કે, ‘ભારત સાથે ઉતાવળમાં નબળો કરાર ન કરવા મેં ગઠબંધન સહયોગીને ચેતવણી આપી હતી.’

ડેરી સેક્ટર અને ઇમિગ્રેશન મુદ્દે મોટો વિવાદ

વિદેશ મંત્રી પીટર્સના વિરોધ પાછળના મુખ્ય બે કારણો છે:

1. ડેરી ઉદ્યોગ: પીટર્સનો આરોપ છે કે ન્યુઝીલેન્ડે ભારત માટે પોતાનું બજાર ખોલ્યું પણ બદલામાં ન્યુઝીલેન્ડના દૂધ, પનીર અને માખણ જેવા ઉત્પાદનો પર ભારત તરફથી ટેરિફમાં કોઈ મોટી રાહત મળી નથી. આ કરાર ખેડૂતોના હિતમાં નથી.

2. ભારતીય કામદારો: તેમણે એવો પણ દાવો કર્યો કે આ ડીલમાં વેપાર કરતા ભારતીય શ્રમિકોની અવરજવર પર વધુ ધ્યાન અપાયું છે. ભારતીયો માટે ખાસ રોજગાર વિઝા કેટેગરી બનાવવામાં આવી છે, જે ઓસ્ટ્રેલિયા કે બ્રિટન જેવા દેશોને પણ અપાઈ નથી.

આ પણ વાંચો: VIDEO: જાપાનમાં 50થી વધુ વાહનો વચ્ચે ટક્કર, અનેક ગાડીઓ અગનગોળો બની, 1નુ મોત, 26 ઈજાગ્રસ્ત

વેપારના આંકડા અને ભવિષ્યની સંભાવનાઓ

વડાપ્રધાન મોદી અને લક્સન વચ્ચેની વાતચીત બાદ જાહેર થયેલ આ FTA મુજબ, આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ આવી શકે છે. વર્ષ 2024માં બંને દેશો વચ્ચે કુલ 2.07 અબજ ડોલરનો વેપાર થયો હતો, જેમાં ભારત દવાઓની નિકાસમાં અગ્રેસર છે, જ્યારે ન્યુઝીલેન્ડ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે.

ન્યુઝીલેન્ડ ઓશેનિયા ક્ષેત્રમાં ભારતનું બીજું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે, પરંતુ આ આંતરિક રાજકીય વિવાદ કરારના અમલીકરણમાં અવરોધ ઊભો કરી શકે છે.

Share This Article
कोई टिप्पणी नहीं